માઈલ સ્ટોન નં.૧ - વ્યારા પ્રદેશના સપૂત સ્વ. અમરસિંહભાઈ ચૌધરી

  વ્યારા પ્રદેશના સપૂત સ્વ.અમરસિંહભાઈ ચૌધરીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના વ્યારા તાલુકાના દક્ષિણ વિભાગમાં આવેલા ડોલવણ ગામે એક ખેત મજૂરના ઘરમાં સને તા. 31.7.1941ના રોજ જન્મ લઈ અનેક મુશ્કેલીઓનો સામનો કરતા ગરીબાઈમાં બાળપણ વિતાવ્યું. ધોરણ 1થી 7 સુધીનું શિક્ષણ ડોલવણ પ્રાથમિક શાળામાં લીધું હતું.

  પિતા શ્રી ભીલાભાઈ, શ્રી બલ્લુભાઈ દેસાઈના ઘરે ખેત મજૂરી કરતાં હતા એટલે એમણે બલ્લુભાઈ દેસાઈને વાત કરી કે છોકરો ભણે તેવો છે, પણ હું ભણાવી શકું એમ નથી. એટલે પછી બલ્લુભાઈ દેસાઈએ વ્યારા હાઈસ્કૂલમાં શ્રી રતુભાઈ દેસાઈ પ્રિન્સિપાલ હતાં, એમને ઘરે મૂકી ગયા. ત્યાં એમણે ઘરકામ કરવાનું, છોકરા સાચવવા વગેરે કામ કરવાનું ને અભ્યાસ કરવાનો પણ આ ઘરકામ અને છોકરા સાચવવામાં અભ્યાસનો સમય ઓછો રહતો એટલે રતુભાઈને લગ્યુ કે છોકરો હોંશિયાર છે, એટલે એમણે જ બીજા જે છોકરાઓ રૂમ રોકી રહેતા હતા તેમની જોડે રહેવા માટે ગોઠવણ કરી આપી. જાતે મહેનત કરીને હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યું, અભ્યાસમાં હોશિયાર હોવાથી ઉત્તમ વિદ્યાથીનો મેડલ મેળવવા ભાગ્યશાળી થયા હતાં.એસ.એસ.સીમાં પ્રથમ વર્ગ મેળવેલ હતો.

  શિક્ષણની ભૂખ ભારે, એટલે ઉચ્ચ શિક્ષણ મેળવવા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્વસિટીમાં એન્જિનિયરિંગ શાખામાં એડમિશન લીધું અને ત્યા શ્રી બલ્લુભાઈ દેસાઈ અને સ્વ. ઝીણાભાઈ દરજીની હૂંફ અને સાથ સહકારથી હાથ શરૂ થયો. ઘરેથી કોઈ મદદ મળી શકે તેમ ન હોવાથી સ્કોલરશીપ મળે તેમાં જ નિભાવ કરતાં. વડોદરામાં યુનિર્વસિટીની સારી હોસ્ટેલમાં રહી શકાય નહીં એટલે શ્રી નરસિંહભાઈ ગામીત “રાનીપરજ ક્ષત્રિય વિદ્યથી વસતી ગુહ” નામનું છત્રાલય ચલાવતા હતાં ત્યાં રહેવાનું રાખ્યું. જ્યારે સ્કોલરશીપના પૈસા આવે ત્યારે આખા વર્ષનું ભોજન બિલ ભરવાનું ને વધે તેમાંથી બે જોડ કપડાં બનાવવાનાં, જે આખું વર્ષ ચલાવવાનાં એ રીતે અભ્યાસ કરતાં. એન્જિનિયરિંગના પુસ્તકોની કિંમત ભારે પડે એટલે પોતે વસાવી શકે નહીં, જેથી લાયબ્રેરીનો વધુ ઉપયોગ કરતાં અને પછી એક મિત્ર મળી ગયા શ્રી ગુલાબભાઈ ઢોડિયા, ગામ કઢૈયા, તા. મહુવાના વતની, જે એમના કરતા એક વર્ષ આગળ હતાં. એટલે પછી એમના પુસ્તકો અને સાધનોનો ઉપયોગ કરી અભ્યાસ કરતા હતાં. સને 1963માં જગરીબહેન ચૌધરી સાથ સગપણ થયા. ગજરાબહેન મુખ્યસેવિકા તરીકે ત્યારે વિકાસ ઘટક કચેરીમાં નોકરી કરતાં હતાં. એટલે એમના ભણતરનો ભાર ઉપાડી લીધો. એમણે 1966માં બી.ઈ સિવિલની પદવી પ્રાપ્ત કરી. તે દરમિયાન સને 1964માં લગ્ન પણ થઈ ગયાં હતાં, અને એક પુત્રના પિતા બની ચૂક્યા હતાં.

  ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી સ્વ. મુ. વડિલ એવા ઝીણાભાઈ દરજી સુરત જિલ્લા પંચાયતમાં પ્રમુખ હતાં. એટલે એમની ભલામણથી જૂનિયર એન્જિનિયર તરીકે વ્યારામાં બાંધકામની ઓફિસમાં નોકરી શરૂ કરી અને એ સાથે વ્યારામાં વસવાટ કર્યો

  શિક્ષણમાં જેવી ધગશ હતી એવી ધગશ કંઈક કરવાની અને નામના કમાવવાની હતી. રાજકારણમાં પહેલેથી જ શોખ હતો, કોલજકાળ દરમિયાન ગુજરાત આદિવાસી વિદ્યાર્થી યુનિયન ચલાવતા. તેના પ્રમુખ તરકે કામગીરી કરી હતી, અને વ્યારા આવ્યા પછી ઝીણાભાઈ દરજીના સહવાસમાં આવ્યા એટલે રાજકાર તરફ લગાવ વધ્યો 1966થી 1969 સુધી સરકારી નોકરી કરી. 1969થી વ્યારા તાલુકા મજૂર સહકારી મંડળીને બેઠી કરવા રાત દીવસ મહેનત કરી અને ત્યારે પ્લુરસી જેવા રોગના ભોગ બન્યા. આ બધી કામગીરીને ધ્યાનમાં લઈ 1972માં સામાન્ય ચૂંટણી આવી તેમાં વ્યારા વિધાનસભા મત વિસ્તારમાંથી ધરાસભ્યની ટિકિટ આપવામાં આવી અને પહેલી જ વખત વિજય બન્યા. પહેલી જ વખત ચૂંટાયા પછી ગુજરાત સરકારમાં બાંધકામ ખતામાં નાયબ મંત્રી તરીકે નિયુક્તિ પમ્યા. એન્જિનિયર હતા જ એટલે એમાં પણ બરાબર કામગીરી બજાવી નવનિર્માણનું આંદોલન તથા સ્વ. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. એમાં એમણે સમાજ કલ્યાણની ખાતાના મંત્રી બનાવ્યા 1975માં ફરી ચૂંટણી આવી તેમાં જનતા દળની સરકાર બનતાં સામાન્ય સભ્ય તરીકે રહ્યાં. ત્યાર પછી 1980માં ફરી ચૂંટણી થઈ અને એમાં સિંચાઈ અને વન ખતાનીજવાબદારી નિભાવી એમા પણ સફળ રહ્યા. 1985માં ફરી ચૂંટણી થઈ એમાં વિજય થતાં એમને ગૃહ અને શિક્ષણ ખતું આપવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં ફરી પરિવતૅન આવ્યું.મુ. શ્રી માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી પદેથી દૂર કર કરવામાં આવ્યા. તા. 6 જૂલાઈ 1985ના રોજ સ્વ.. અમરસિંહભાઈ ચૌધરીને મુખ્યમંત્રીનોતાજે પહેરાવામાં આવ્યો. એમને ગુજરાતને કંઈ કરી બતાવવાની ઈચ્છા હતી. તે ગુજરાતના નાથ બનીને કરી બતાવ્યું. એક ખેત મજૂરોનો દીકરો ધૂળમાં આરોટીને મોટો થયેલો, ધૂળમાંથીઊઠીને ગગનગોળ સુધીની યાત્રામાં સફળ થઈ મુખ્યમંત્રીનું બિરૂદ પામ્યા. પોતાની ઉચ્ચ બુદ્ધિક્ષમતાના દર્શન કરાવ્યા. મુખ્યમંત્રીના કાયૅકાર દરમિયાન અનેક આંદોલન થયાં, સતત દૂષ્કાર આવ્યા, તોો પણ બુદ્ધિ અને કુનેહ પૂર્વક સામનો કર્યો. દૂષ્કાળ રાહત કાર્યોની સચોટ ગોઠવણ કરી હતી. જેને આજે સૌરાષ્ટ્ર કચ્છના લોકો યાદ કરે છે. લોકોને ટ્રેન દ્વારા રાજકોટ પાણી પહોંચાડ્યું. લોકોને પાણી અને ઢોરને ઘાસચારાની જરાપમ મુશ્કેલી પડવા દીધી નહોતી. રાત દિવસ જોયા વગરે શરીરી પણ પર્વા કર્યા વગર દૂષ્કાળની કપરી કામગીરી સફળતા પૂર્વક પાર પાડ હતી. પોતાની તેજસ્વિતા અને આગવી કોઠા સૂઝ, હૈયા ઉકેલ, ધીરજ, સાહસિતા અને મહત્વકાંક્ષાને લીધે કાદવમાં કમળ ખીલે તેમ ઉચ્ચકક્ષાએ પહોંચે તેવી એકલા હાથે અડગ વિશ્વાસન જોડે ઊભા થઈ આદિવાસી સમાજને અને ગુજરાતને નવો રહ ચિંધ્યો.

  માનવીના જીવનાં ચઢાવ ઉતાર આવતાં રહે તેમ 9 ડિસેમ્બર 1998માં મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા અને જ્યારે 1990માં વ્યરાની બેઠક પરથી પરાજય પામ્યા, તે પછી કાયમમાટે એમણે વ્યારા છોડી દીધુ. સને 1995 અને 2000માં ખેડબ્રહ્મા બેઠક (સાબરકાંઠા)માં ચૂંટણી લડ્યા વિજય બન્યા. ત્યારે ભાજપની સરકાર બનતા વિરોદપક્ષના નેતા બન્યા જે દરમિયાન તા 21 માર્ચ 1995થી 19 ડિસેમ્બર 1996, તા. 18 માર્ચ 1995થી 18 નવેમ્બર 2001 દશમી વિધાનસભા તથા 2002થી 14 ઓગષ્ટ 2004 સુધી વિરોધપક્ષના નેતા તરીક પદ શોભાવતા રહ્યાં. તદ્દઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તે દરમિયાન જ એમણે કોંગ્રસ ભવનનું નિર્માણ કાર્ય ઉપાડ્યુ અને એમાં અખાધ પ્રયત્નોને કારણે આજે અદ્યતન કોંગ્રેસ ભવન ઊભુ થયું છે. જે કાર્યક્ષેત્રની કામગીઆવી તે સંપૂર્ણ ધગશ, ઉત્સાહ અને ખંતથી પૂર્ણ કરી છે. ક્યારે કોઈ જગ્યાએ હતાશ કે નિરાશ થય વિના જે જવાબદારી આવી તેનો સંપૂર્ણ ન્યાય આપ્યો.

  જ્યારથી રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી એટલે કે 1972થી 2004 સુધી સળંગ જીવનમાં અનેક ઉતાળ ચઢાવ આવ્યા છતા પણ સતત 32 વર્ષ સુધી ટકી રહ્યાં એમની રાજકીય કારકિર્દીના સમય દરમિયાન મુખ્યમંત્રી તરીકે હટાવવામાં આવ્યા. વિરોઘ પક્ષના નેતા તરીકે હટાવ્યા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદનો હોદ્દો પણ છીનવી લેવાયો, તેમ છતાં કોઈપણ દિવસ પક્ષ અને પાર્ટી સામે બળવો કરવાનો કે નવો પક્ષ રચવાનો કે પક્ષ છોડવાનો વિચાર સુદ્ધા પણ કર્યો ન હતો. જીવનના અંત સુધી પક્ષ પાર્ટીને વફાદાર રહ્યાં, પત્ર તરફી લેવાયેલા તેમના દરેક નિર્ણયને ગમે તે પરિસ્થિતિમાં સ્વિકાર્યા હતાં.

  એમણે 32 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન લોકોના પ્રશ્ર ઉકેલતા રહ્યાં,.કોઈપણ જાતિ ભેદભાવ રાખ્યા વગર ગરીબ, તવંગર, ઉદ્યોગપિત કે વિરોધપક્ષના માણસો હોય તો પણ એમના કામ કરવા તેઓ તત્પર રહેતા. એમનીકામ કરાવની નીતિ જ એવી હતી કે પોતાના છે તે તો છે જ પણ દૂર છે તેને પણ પોતાના બનાવવા એટલે વિરોધીઓનું કામ કરીને પક્ષના કાર્યકરની નારાજગી પણ વહોળતા હતાં.ગાંધીનગરમાં સમગ્ર આદિવાસી પ્રજાના જ નહીં દરેક કામો કે જતિના ભેદભાવ રાખ્યા વિના માણસોને મૂલાકાત આપતાં હતાં, અને પ્રશ્રોને ઉકેલવા પ્રયત્નશીલ રહેતા હતાં. છેલ્લામાં છેલ્લી વ્યક્તિ ચીંથરેહાલ આવી હોય તે પણ તેમને મળી શકતી હતી. તેને એઓ ધિરજથી સાંભળતાં હતાં. મુલાકાતો રોજ આપનાર અને પ્રજાના પ્રશ્નોરોજ ઉકેલનારા આજે કોઈ નેતા નથી. આજે ગાંધીનગરમાં સામાન્ય પ્રજાને જવું ખુબ આકરું લાગે છે. ગાંધીનગરમાં જઈ ક્યાં પગ મુકવો કે ક્યાં જઈ ઊભા રહેવું તે જ એક સવાલ છે. સામાન્ય પ્રજા આજે ગાંધીનગર જવાનું નામ લેતી નથી. કારણ કે આજે સ્વ. અમરસિંહ ચૌધરી જેવા નેતા રહ્યા નથી.

  ખેત મજૂરને ત્યાં જન્મેલ અને ધૂળમાં આરોટીને મોટી થયેલ વ્યક્તિમાં ધ્યેય ચૌક્કસ હોય, પુરુષાર્થ હોય, ધગશ હોય અને મંઝિલે પહોંચવાનો લક્ષ્યાંક હોય. તો કાળા માથાનો માનવી પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે.તે નિર્વિવાદ છે, અને તે મુખ્યમંત્રીના તાજ સુધી પહોંચી શક્યા એ એક અ શક્ય વાતને શક્ય બનાવી, અને એક દિવસ મોટા માણસ થઈને કરી બતાવ્યું.

  આપણે સૌ જાણીએ છીએ જેનો જન્મ એનો અંત હોય છે. સમય અને કાળ કોઈને છોડતો નથી. શરીર હોય તો સાથે કેટલીક બીમારીઓ આવે છે, તેમ એમને ડાયાબિટિસ, પ્રેશર, કિડનીની તકલીફ, અલ્સર વગેરે લોકોએ ઘરી લીધા હતાં, અને આટલ બધી બિમારીઓ સાથે રાખીને છેલ્લી ઘડી સુધી કામ કરતાં રહ્યાં. તા. 23.7.2004ના રોજ તબીયત વધુ લથડતા એમને 23.7.2004ના રોજ રાત્રે અમદાવાદ ખાતે સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘણાબધા રોગોને કારણે હોસ્પિટલના ડોક્ટરોની સારવાર અને પોતાના પ્રબળ મનોબળને કારણે ચોવીસ દિવસ સુધી મોત સામે ઝઝુમ્યા પણ કુદરતે અને સમયે સાથ ન આપ્યો 15 ઓગષ્ટ 2004ના રોજ બપોરે 12.00 કલાકે આ ફાની દુનિયામાંથી વિદાય લઈને પરલોકની દુનિયા તરપ પ્રયાણ કરી ગયા. પોતાના કુટુંબ અને ગુજરાતની જનતા ખાસ કરીને આદિવાસી પ્રજાને નધણિયાતી કરી ભગવાનના ભરોશે રડતા મૂકીને વિદાય થઈ ગયા અને જીવન પર્યંત એમણે કરેલા સુકર્મોની સુવાસ ફેલાવતા ગયા. સૌન દિલમાં વસતા ગયા. અને નામ પ્રમાણે જીવતર અમર કરતાં ગયા.

  આજે સ્વ. અમરસિંહ ભીલાભાઈ ચૌધરી સમસ્ત આદિવાસી સમાજ અને અમસ્ત ચૌધરી સામાજમાં માઈલ સ્ટોન તરીકે દરેકના હૈયે પ્રેરમામૂર્તિ તરીકે અંકિત છે કે તમે ગમે તેવી ગરીબાઈમાં જન્મ્યા પણ અમારા ચૌક્કસ ધ્યેય હોય, વિશ્વાસ હોય ધગસ હોય અને મંઝિલે પહોંચવાન માઈલ સ્ટોન નક્કી હોય તો તમે ચોક્કસ પહોંચી શકો છો.

કદમ સ્થિર હો જેના, તેને રસ્તો નથી જડતો,

અડગ મનનાં માનવીને, હિમાલય પણ નથી નડતો.

(સુ.શ્રી ગજરાબહન એ ચૌધરી દ્વારા લખાયેલ સ્વ. અમરસિંહ બી ચૌધરી જીવન ઝરમરમાંથી સાભાર સ્વીકાર.)